ગુજરાતની વન્યજીવ સૃષ્ટિમાં સિંહ, દિપડા પછી હવે ચિત્તાનું બ્રીડિંગ સેન્ટર ઉમેરાઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર કરવાની યોજના શરૂ કરવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓએ મઘ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વીઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.
વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ હેઠળ ચિત્તાઓને બંધ પાંજરામાં ઉછેરવામાં આવશે. તેમના માટે પાણીના પોઇન્ટ, વન તળાવ, આર્ટિફિશિયલ શેડ, ટેકરા જેવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્ર બનાવવા માટે 500 હેક્ટરનું બિડાણ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 20 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે.