ડિજિટલ પેમેન્ટના વધી રહેલા વ્યાપ અને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઈ-રૂપી માટે પ્રાયોગિક કવાયત ચાલી રહી છે ત્યારે ભારતના અર્થતંત્રમાં રોકડની બોલબાલા હજી ઓછી નથી થઇ. નોટબંધી બાદ ૨૦૧૬-૧૭માં દેશના ચલણમાં કુલ રોકડ રૂ.૧૩ લાખ કરોડ હતી જે માર્ચ ૨૦૨૩ના અંતે અઢી ગણી વધી રૂ.૩૩ લાખ કરોડ થઇ ગઈ હોવાના આંકડા રિઝર્વ બેંકના વર્ષ ૨૦૨૨-૨૩ના વાર્ષિક અહેવાલમાં બહાર આવ્યા છે. એટલું જ નહી, વિકસી રહેલા અર્થતંત્ર, મોંઘવારી અને રોકડની માંગના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રિઝર્વ બેંકે વિવિધ મૂલ્યની રૂ.૧૯.૯૨ લાખ કરોડની ચલણી નોટોનો પુરવઠો ઉભો કર્યો હોવાનું પણ આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.