ભારત જ નહીં આખી દુનિયા નવ મહિના એટલે કે લગભગ 286 દિવસથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ. માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે. ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અંતરિક્ષ યાત્રીઓ સાથે આઈએસએસથી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતું. ઉલ્લેખનીય છે કે 8 દિવસ માટે મિશનની શરૂઆત કરાઈ હતી પણ તેને પૂર્ણ કરવામાં 9 મહિનાનો સમય લાગી ગયો.