સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે.
જસ્ટિસ વિક્રમનાથ અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે માત્ર સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથી. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે કલમ 306 હેઠળ ગુનો નોંધાયો નથી. ખંડપીઠે આરોપો અને કાયદાને ધ્યાનમાં લીધા બાદ કહ્યું હતું કે અપીલકર્તાની કોઈ સક્રિય ભૂમિકા નથી. આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કૃત્યો હોવા જોઈએ. આ મામલામાં જ્યારે છોકરાના પરિવારજનોએ કન્યાની શોધ શરૂ કરી ત્યારે પીડિત છોકરી નારાજ થઈ ગઈ અને તેણે આત્મહત્યા કરી હતી. આ પછી પોલીસે યુવક સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો હતો.