ADR દ્વારા સાત રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષોને મળેલા દાનની રકમની માહિતી જાહેર કરવામાં આવી હતી. આ સાત પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, સીપીઆઈ, સીપીઆઈએમ, એનપીપી સમાવેશ થાય છે. વર્ષ 2021-22માં ભારતના સાત રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવકના 66 ટકાથી વધુ ચૂંટણી બોન્ડ અને અન્ય અજાણ્યા સ્ત્રોતોમાંથી આવક થઈ હતી.
ADRના અહેવાલ મુજબ આ રાજકીય પક્ષોની કુલ આવકના 66 ટકા અજાણ્યા સ્ત્રોતોમાંથી આવક છે. અજાણ્યા સ્ત્રોતો પાસેથી મળેલા નાણાંમાંથી 1,811.94 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા પ્રાપ્ત થયા છે. આ રાજકીય પક્ષોએ વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં અજાણ્યા સ્ત્રોતોમાંથી આવક દર્શાવી છે પરંતુ આવકના સ્ત્રોતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. વર્તમાન નિયમ મુજબ રાજકીય પક્ષો એવી વ્યક્તિ કે સંસ્થાનું નામ જાહેર કરવા માટે બંધાયેલા નથી કે જેમણે 20,000 રૂપિયાથી ઓછું અથવા ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપ્યું હોય. ADR અનુસાર આવા અપ્રગટ સ્ત્રોતોમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન, કૂપનનું વેચાણ, રાહત ભંડોળ, નાની આવક, સ્વૈચ્છિક દાન અને સભાઓ અને મોરચાઓમાંથી આવકનો સમાવેશ થાય છે.
આ રિપોર્ટના અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં ભાજપે અજાણ્યા સ્ત્રોતોમાંથી 1,161 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. આ આવક આજાણ્યા સ્ત્રોતોમાંથી રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકના 53.45 ટકા છે. ADRના રિપોર્ટ મુજબ ભાજપને મળેલી આવક 1,011.18 કરોડ રૂપિયા અન્ય છ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ અજાણ્યા સ્ત્રોતોમાંથી કુલ આવક કરતાં રૂ. 149.86 કરોડ વધુ છે.