અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સતત નવા ધોરણો સ્થાપિત કરી રહી છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ રવિવારે જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2023-2024 (FY24)માં પ્રભાવશાળી 10 લાખ ટન એર કાર્ગોનું સંચાલન કર્યું છે. આ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 7 ટકા (વર્ષ-દર-વર્ષ)ની વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે કુલ કાર્ગો હેન્ડલ 9,44,912 મેટ્રિક ટન હતો. આ સિદ્ધિ એએએચએલની મજબૂત ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉડ્ડયન ઉદ્યોગમાં વ્યૂહાત્મક વૃદ્ધિને રેખાંકિત કરે છે તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સાત એરપોર્ટે FY24માં 10 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેણે 30.1 ટકાનો મજબૂત બજાર હિસ્સો હાંસલ કર્યો હતો. AAHLના CEO અરુણ બંસલે જણાવ્યું હતું કે, "અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડમાં અમે સતત નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છીએ અને કાર્ગો ટર્મિનલે 10 લાખ ટનનો મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે."
નાણાકીય વર્ષ 24માં, કંપની દ્વારા હેન્ડલ કરાયેલા કાર્ગોનો 65 ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય હતો. આંતરરાષ્ટ્રીય કાર્ગોનું વજન 6,62,258 મેટ્રિક ટન હતું. જે ગયા નાણાકીય વર્ષના 6,06,348 મેટ્રિક ટન કરતાં 9 ટકા વધુ છે. કંપની દ્વારા હેન્ડલ કરવામાં આવતા કાર્ગોમાં ઓટોમોબાઈલ્સ, ફાર્મા, નાશવંત વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ગુડ્સનો સમાવેશ થાય છે.
અરુણ બંસલે જણાવ્યું હતું કે, "આ સિદ્ધિ ભારતમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્ગોના સંચાલનમાં અમારી સ્થિતિને મજબૂત બનાવે છે." નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે સૌથી વધુ કાર્ગો હેન્ડલ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ)એ 18 મેના રોજ ઈન્ડિગોના પ્રથમ A320 નિયો કાર્ગો એરક્રાફ્ટનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.
માર્ચ 2024માં ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશનલ એરપોર્ટ (લખનૌ) ખાતે આંતરરાષ્ટ્રીય કાર્ગો કામગીરીએ 700 ટન કાર્ગોનું સંચાલન કર્યું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.