તાજેતરમાં જ હોળીની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને સબક શીખવ્યો હતો. જોકે, આ બાદ ગુજરાત પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. DGP વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વિભાગ અને પોલીસ કમિશનરને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાતના ગુનેગારોની યાદી તૈયાર : ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. આ તમામ ગુનેગારોની ગુનાહિત પ્રોફાઈલ તૈયાર કરીને કાયદાનો પાઠ ભણાવવાનું કામ ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. જેમાં પાસા અને તડીપાર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે. આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાત પોલીસ એકશનમાં જોવા મળશે.