વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન 'INDIA'ના એલાન બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં તેની અસર જોવા મળી રહી છે. રાજધાની કોલકાતામાં ગઠબંધન INDIAને લઈને નવા પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાએ લાગેલા આ પોસ્ટરમાં દિલ્હી તરફ ઈશારો કરતા મમતા બેનર્જીની તસવીર સાથે લખ્યુ છે કે, 'અબકી બાર દિલ્હી મેં INDIA સરકાર'. મહત્વની વાત એ છે કે, બંગાળમાં લાગેલા આ પોસ્ટર પર હિંદી ભાષામાં લખવામાં આવ્યું છે.
2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વ વાળા NDAનો વિજય રથ રોકવા માટે 26 વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી છે. 18 જુલાઈના રોજ આ વિપક્ષી પાર્ટીઓની બેઠક કર્ણાટકની રાજધાની બેંગલોરમાં યોજાઈ હતી. જ્યાં બધાએ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ-ઈન્ડિયા નામનો એનડીએ વિરોધી મોરચો બનાવવાની જાહેરાત કરી હતી.