ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર મંગળવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે વિદેશથી પરત ફરેલા એક મુસાફરમાં મંકી પૉક્સ (M પૉક્સ)ના લક્ષણ મળી આવ્યા. એરપોર્ટ પર હાજર મેડિકલ સ્ટાફે તાત્કાલિક શંકાસ્પદ દર્દીને રાજસ્થાન યૂનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ સાયન્સ (RUHS) હોસ્પિટલમાં આઇસોલેટ કરી દીધો. આ શંકાસ્પદ દર્દી નાગૌર જિલ્લાના 20 વર્ષીય નિવાસી છે, જે મંગળવારે દુબઈથી જયપુર પરત ફર્યો હતો. મુસાફરના સેમ્પલ સવાઈ માનસિંહ મેડિકલ કોલેજની લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની તપાસ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ અગાઉ પણ કેરળમાં નોંધાયેલ મંકીપોક્સનો દર્દી દુબઈથી જ પરત ફર્યો હતો.