વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૫-જી ટેલિફોન સર્વિસ લોન્ચ કરીને મોબાઈલ ફોન પર અલ્ટ્રા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવાના નવા યુગનો પ્રારંભ કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, ૫-જી સર્વિસ નવા યુગની શરૂઆત દર્શાવે છે અને તે અર્થતંત્ર, ઉદ્યોગો અને સામાન્ય લોકો માટે તકોનું અનંત આકાશ ખુલ્લુ મુકે છે. આ સાથે વડાપ્રધાન મોદીએ ૪ દિવસની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ભારતના બે ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલે શનિવારથી દેશના આઠ શહેરોમાં ૫-જી સર્વિસ શરૂ કરી દીધી છે જ્યારે પહેલા તબક્કામાં ૧૩ શહેરોમાં ૫-જી સર્વિસ શરૂ કરવાના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર અને જામનગર સહિતના શહેરોમાં આ સેવા શરૂ થવામાં હજુ થોડોક સમય લાગશે.