વ્યાપક ભય સાથે જેનો ઈંતજાર હતો તે પ્રચંડ વાવાઝોડુ 'બિપોરજોય 'આજે ગઈકાલે પકડેલી દિશા જાળવી રાખી કલાકની ૧૧૫-૧૨૫ કિમી (મહત્તમ ૧૪૦ કિમી) ઝડપે ઘુમરાતું કચ્છ ઉપર ત્રાટક્યું હતું જેના પગલે કચ્છ ઉપરાંત તેની નજીક દરિયામાં આવેલા દ્વારકામાં તારાજીની અતિ તીવ્ર અસર જોવા મળી હતી. પૂર્વાનુમાન મૂજબ વાવાઝોડાનો અગ્રભાગ આજે સાંજે ૫.૩૦ વાગ્યે કચ્છના જખૌ બંદરને સ્પર્શ કર્યો તે સાથે જ દ્વારકા અને કચ્છમાં કલાકના ૧૦૦-૧૨૦ કિ.મી.ની ઝડપે વિનાશક વાવાઝોડુ ફૂંકાવાનું શરુ થવા સાથે અનેક છાપરાં, શૅડ, વૃક્ષ,થાંભલા ધરાશાયી થયા હતા, દરિયાના પાણી કાંઠાળ ગામોમાં ફરી વળ્યા હતા. તો સૌરાષ્ટ્રના મોરબી,જામનગર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ જિલ્લામાં પણ ૫૦-૬૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું. વરસાદનું જોર રાત્રિ સુધી ઓછુ રહ્યું છે પરંતુ, પવન અતિ તીવ્ર ઝડપે ફૂંકાયો હતો.