જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે શુક્રવારે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષને ફટકો પડયો હતો. હાઈકોર્ટે શુક્રવારે અરજી પર સુનાવણી કરી હતી, પરંતુ તેમને કોઈપણ રાહત આપી નહોતી. આ કેસમાં હવે ૬ઠ્ઠી ફેબુ્રઆરીએ સુનાવણી થશે. દરમિયાન જિલ્લા કોર્ટના આદેશના વિરોધમાં મુસ્લિમ પક્ષે બંધની હાકલ કરી હતી, જેની મુસ્લિમ વિસ્તારોમાં અસર જોવા મળી હતી. જોકે, આ બંધ પહેલાં પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી. બીજીબાજુ હિન્દુ પક્ષે વ્યાસ ભોંયરામાં પૂજા-આરતી શરૂ કરી દીધા છે.