કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. જેનો સમયગાળો હજુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જેને કારણે કેન્દ્ર સરકાર પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો બોજ આવશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી કેબિનેટની બેઠક બાદ આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ ૮૦ કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે તેને હાલ અટકાવવામાં નહીં આવે.
ગોયલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત ચોખા, ઘઉઁ, અન્ય અનાજ એકથી ત્રણ રૂપિયા કિલોના ભાવે આપે છે. સરકારે નિર્ણય લીધો છે કે આ અનાજ ડિસેમ્બર ૨૦૨૩ સુધી મફત આપવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં આ યોજનાની સમયસીમાને ત્રણ મહિના એટલે કે ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી દીધી હતી. કોરોના મહામારી સમયે ગરીબ લોકોને રાહત પહોંચાડવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ૨૮ મહિનામાં સરકારે ગરીબોને મફત રાશન માટે આશરે ૧.૮૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.