મુંબઈમાં છેલ્લા બે દિવસથી શરુ થયેલાં ભારે વરસાદી ઝાપટાઓના સિલસિલામાં સેન્ટ્રલ અને પૂર્વના પરાંઓમાં અતિશય ભારે વરસાદ ખાબક્યો હતો. સાંજ પછી તો સમગ્ર મુંબઈમાં ધુંઆધાર વરસાદ શરુ થઈ ગયો હતો. ભાંડુપ, મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી, માનખુર્દ સહિતના વિસ્તારોમાં છથી આઠ ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડી જતાં તમામ માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. કુર્લા અને ભાંડુપ સહિતના સ્ટેશનોએ ટ્રેક પર પાણી આવી જતાં સેન્ટ્રલની ટ્રેનો બંધ કરાઈ હતી. જોકે, વેસ્ટર્ન લાઈન પર અડધા કલાક જેવા વિલંબ સાથે ટ્રેનો દોડતી રહી હતી.