વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટનું વર્ષ 2016નાં નવેમ્બરમાં PM મોદીએ શિલાન્યાસ કર્યું હતું. ગોવામાં આ બીજું એરપોર્ટ છે જ્યારે પહેલું એરપોર્ટ ડાબોલિમમાં છે. આ કાર્યક્રમ દરમિયાન PM મોદીની સાથે ગોવાના CM પ્રમોદ સાવંત અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા હતા.
મનોહર પારિકરના નામ પરથી રખાયું એરપોર્ટ નામ
આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ મારા પ્રિય સહયોગી અને ગોવાના પ્રિય સ્વ. મનોહર પારિકરના નામ પરથી રખાયું છે. હવે મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટના નામથી પારિકરજીનું નામ અહીં આવતા-જતા દરેક લોકોને યાદ રહેશે.