દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં શુક્રવારે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં એકંદરે ૬૨ ટકાથી વધુ મતદાન થયું હતું. જોકે, મતદાનની ટકાવારી હજુ વધવાની સંભાવના છે. ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકોને આવરી લેતા મતદાનમાં પશ્ચિમ બંગાળ અને મણિપુર સિવાય એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન શરૂ થતા જ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હિંસા થઈ હતી. બીજીબાજુ મણિપુરના મોઈરાંગના થમનકોપીમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ મતદારો ભાગી ગયા હતા અને તેનો વીડિયો વાયરલ થયો છે. છત્તીસગઢના બસ્તરમાં ગ્રેનેડ લોન્ચર શેલનો અકસ્માતે વિસ્ફોટ થતાં સીઆરપીએફના એક જવાનનું મોત થયું હતું.