નેપાળમાં શુક્રવારે અડધી રાતે આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. આ ભૂકંપ આઠ વર્ષમાં આવેલો સૌથી ભયાનક ભૂકંપ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૫૭ લોકોનાં મત થઈ ગયા છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર મુજબ રાતે ૧૧.૪૭ કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાજરકોટ જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૬.૪ નોંધાઈ હતી. ભૂકંપના આંચકા ભારતમાં છેક દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ અનુભવાયા હતા, જ્યાં લોકો ગભરાઈને ઈમારતો પરથી નીચે દોડી આવ્યા હતા અને આખી રાત ઊંચા જીવે પસાર કરી હતી.