બ્રિટનની પોલીસે મંગળવારે કહ્યું હતું કે લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ જુથો વચ્ચે જે હિંસા થઇ હતી તેમાં અત્યાર સુધીમાં કુલ ૪૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચ બાદ લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સંગઠનના કેટલાક લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, અહીંના એક શિવ મંદિરમાં હિંસાખોરોએ તોડફોડ પણ કરી હતી. હાલ પોલીસ હિંસાખોરોને શોધી રહી છે.
પોલીસે અગાઉ ૧૫ જેટલા લોકોની ધરપકડ કરી હતી, જે આંકડો બે દિવસમાં વધીને ૪૭ સુધી પહોંચી ગયો છે. વધુ ધરપકડો ત્યારે સામે આવી છે જ્યારે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા આ સમગ્ર ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને પોલીસને હિંસાખોરો અને મંદિર પર હુમલો કરનારાની સામે કાર્યવાહીની અપીલ કરવામાં આવી હતી.