જમ્મુ-કાશ્મીરમાંથી વર્ષ ૨૦૧૯માં મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરી દીધી હતી, પરંતુ તેના અંગેનો વિવાદ હજુ યથાવત્ છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પહેલાં જ સત્રમાં કલમ ૩૭૦ અને ૩૫-એ મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. સ્થાનિક પક્ષો પીડીપી, નેશનલ કોન્ફરન્સમાં આ મુદ્દે ક્રેડિટ લેવા માટે હોડ મચી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા સત્ર સોમવારથી શરૂ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં કલમ ૩૭૦ ફરીથી લાગુ કરવા ચાર દિવસમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ પછી હવે જમ્મુ-કાશ્મીર અવામી ઇત્તેદાહ પાર્ટી મેદાને પડી છે. જોકે, કલમ ૩૭૦ અને ૩૫-એ લાગુ કરવાનો ઠરાવ કરી નેશનલ કોન્ફરન્સે કેન્દ્ર સાથે સંઘર્ષને આમંત્રણ આપ્યું છે.