ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને યુવા વયે હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બિનસત્તાવાર અહેવાલ અનુસાર તાજેતરમાં નવરાત્રિ દરમિયાન જ 24થી વધુ લોકોએ ગરબા કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાથી જીવ ગુમાવ્યો હતો. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું કે, ‘હાર્ટ એટેકના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટએટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકાનો જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. વધતા જતા કેસને મામલે સરકાર દ્વારા મૂળમાં જઇને તપાસ થવી જોઇએ. જરૂર પડે તો હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ કવામાં આવે તે જરૂરી છે.