લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યસભામાં ગયા સપ્તાહે ચૂંટણી થયા પછી વર્તમાન ૨૨૫ સાંસદો સામે ક્રિમિનલ કેસ અને તેમની સંપત્તિનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ વિશ્લેષણ કરીને શુક્રવારે એક અહેવાલ જાહેર કર્યો હતો, જે મુજબ રાજ્યસભાના વર્તમાન ૨૨૫ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧૯,૬૦૨ કરોડ છે. આ સાંસદોમાંથી ૩૧ એટલે કે ૧૪ ટકા અબજોપતિ છે. વધુમાં ભાજપના સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩,૩૬૦ કરોડ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ (એનઈડબલ્યુ)એ જણાવ્યું હતું કે, રાજ્યસભાના કુલ ૨૩૩ સાંસદોમાંથી ૨૨૫ સભ્યોની સંપત્તિ અને ક્રિમિનલ કેસોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક બેઠક ખાલી છે અને જમ્મુ-કાશ્મીરમાં ચાર બેઠકો હજુ નિશ્ચિત નથી થઈ જ્યારે ત્રણ સાંસદોના સોગંદનામા વિશ્લેષણ માટે ઉપલબ્ધ નહોતા. પરિણામે ૨૨૫ સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરાયું છે.