કોરોના મહામારીથી દુનિયાભરમાં લાખો લોકોનાં મોત થયા હતા. આ બીમારીથી બચવા માટે સમગ્ર વિશ્વની સરકારોએ ઉતાવળે લોકો માટે રસીની વ્યવસ્થા કરી હતી. કોરોનાની રસી બનાવનારી અનેક કંપનીઓમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાનો સમાવેશ થાય છે. આ કંપનીએ હવે કબૂલ્યું છે કે તેની રસીના કારણે કેટલાક લોકો આડ અસરના ભાગરૂપે હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોકનું જોખમ રહે છે. ભારતમાં કોરોના રસીના અંદાજે ૨૨૧ કરોડ ડોઝ અપાયા છે, જેમાં ૨૦૫ કરોડ ડોઝ કોવિશિલ્ડના હતા. ત્યારે કંપનીની આ કબૂલાત પછી ભારતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. દેશમાં કરોડો લોકોએ એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ રસી લગાવી હતી. કંપનીનું કહેવું છે કે તેની રસીના કારણે લોહી ગંઠાઈ જવાની આશંકા રહેલી છે.