ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. આ પરિણામો સાથે જ ભાજપે ઐતિહાસિક જીત હાસલ કરી છે. ભાજપે 156 બેઠકો, કોંગ્રેસ 17, આપ 5 અને અન્યને 4 બેઠકો મળી છે. આવામાં આપણે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં સૌથી વધુ ભણેલા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધારાસભ્ય, સૌથી નાના ધારાસભ્ય, સૌથી પૈસાદાર ધારાસભ્યની વાત કરીશું.
નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 93 ધારાસભ્ય ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ ભણેલા છે. જેમાંથી સૌથી 80 ધારાસભ્ય ભાજપના છે. 10 ઉમેદવાર કોંગ્રેસના અને 2 ઉમેદવાર આપના છે. ધોરણ 11 અને 12 સુધી ભણેલા હોય તેવા 39 ધારાસભ્ય છે. ધોરણ 1થી 10 સુધી અભ્યાસ કર્યો હોય તેવા 50 ધારાસભ્ય નવી વિધાનસભામાં જોવા મળશે.
ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ધારાસભ્યોની વાત કરીએ તો, 40 ધારાસભ્યો એવા છે જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સૌથી 27 ભાજપના, 8 કોંગ્રેસના, 2 આપના ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે સૌથી વધુ 22 કેસ છે. નોંધનીય છે કે, વર્ષ 2017માં આવે ધારાસભ્યોની સંખ્યા 47 હતી.
ઉંમર પ્રમાણે ધારાસભ્યની વાત કરીએ તો, વિરમગામથી ભાજપના વિજેતા ઉમેદવાર હાર્દિક પટેલ 29 વર્ષના છે. જ્યારે સૌથી મોટી ઉંમરના ધારાસભ્ય માંજલપુરના 76 વર્ષીય યોગેશ પટેલ છે. 30થી ઓછી ઉંમરમાં ભાજપના 2 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 31થી 60 વર્ષની વયજૂથના 131 ધારાસભ્ય છે. જેમાં ભાજપના 107, કોંગ્રેસના 14 અને આપના 05 ધારાસભ્ય છે. 61 વર્ષની ઉપરના 50 ધારાસભ્ય છે. જેમાં કોંગ્રેસના 47 અને કોંગ્રેસના 3 ધારાસભ્ય છે.
ચૂંટાયેલા 182 ધારાસભ્યમાં સૌથી પૈસાદાર ધારાસભ્ય ભાજપના માણસાના જયંતીભાઇ પટેલ છે. તેની સંપત્તિ 661 કરોડ છે. સાથે જ સૌથી દેવાદાર ધારાસભ્યમાં પણ જયંતીભાઇ પટલે જ છે. તેમના માથે 233 કરોડનું દેવું છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ ધરાવતાં ધારાસભ્ય આપના સુધીર વાઘાણી છે. તેઓ આપના ગારિયાધારના ધારાસભ્ય છે અને તેમની સંપત્તિ 19 લાખ રૂપિયા છે. ઉપરાંત કોરડપતિ ધારાસભ્યમાં ભાજપના 129 ધારાસભ્ય, કોંગ્રેસના 13 અને આપના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે.