દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી મંગળવારે સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં ૧૨૩થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. જોકે, ચાર કલાકના ટૂંકાગાળામાં ત્રણ ભૂસ્ખલન થવાથી બચાવ કાર્યમાં અવરોધો ઊભા થયા હતા. પીએમ મોદીએ બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તથા પીડિતોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી.