વર્તમાન રાજ્યસભાના 12 ટકા સાંસદો અબજોપતિ છે અને સૌથી વધુ સાંસદો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર (ADR) દ્વારા આ વાત કહેવામાં આવી છે. એડીઆરએ રાજ્યસભાના 233માંથી 225 સાંસદોની ગુનાહિત, આર્થિક અને અન્ય પૃષ્ઠભૂમિની તપાસ કર્યા બાદ આ માહિતી શેર કરી છે. રાજ્યસભામાં હાલમાં એક સીટ ખાલી છે.
ADRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના કુલ 11 રાજ્યસભા સાંસદોમાંથી 5 અબજોપતિ છે. આ આંકડો રાજ્યમાંથી આવતા કુલ સાંસદોના 45 ટકા છે. જ્યારે તેલંગણાના 7માંથી 3, મહારાષ્ટ્રના 19માંથી 3, દિલ્હીના 3માંથી 1, પંજાબના 7માંથી 2, હરિયાણાના 5માંથી 1 અને મધ્યપ્રદેશના 11માંથી 2 સાંસદોએ પોતાની સંપતિ 100 કરોડ રૂપિયાથી વધારે જણાવી છે.