મહારાષ્ટ્રના હાઈવે પર જીવલેણ અકસ્માતનો સિલસિલો ચાલુ જ છે. મુંબઈ આવી રહેલી ખાનગી બસ અને ટ્રક નાશિકમાં ટકરાયા બાદ બસમાં ભીષણ આગ લાગતા માસૂમ બાળક સહિત ૧૨ પ્રવાસી જીવતા ભૂંજાયા હતા. આગમાં જીવ બચાવવા અમુક પ્રવાસી સળગતી હાલતમાં બસની બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. આ બનાવમાં ૪૩ જણ દાઝી ગયા હતા. આગમાં બસ સળગીને ખાક થઈ ગઈ હતી. જ્યારે કેટલાક મૃતદેહ સળગીને રાખ થઈ ગયા હતા. બસની બારીમાંથી બહાર કૂદકો મારતા અમુક પ્રવાસી બચી ગયા હતા. આ કમકમાટીભરી ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રત્યેક મૃતકના પરિવારને મોદીએ બે લાખ રૂપિયા અને શિંદેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને અકસ્માતની ઝીણવટભરી તપાસનો આદેશ આપ્યો હતો.