Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 વડોદરાના હરણી તળાવમાં પર્યટન માટે આવેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળી ૧૪ ના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બનાવને પગલે વાલીઓની રોકકળથી હૃદય હચમચી જાય તેવા દ્શ્યો સર્જાયા હતા. આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા નિર્ણય કર્યો છે.

વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઇઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકો આજે સવારે આઠેક વાગે પર્યટન માટે હરણી તળાવ લેક ઝોન ખાતે આવ્યા હતા.બાળકોએ આખો દિવસ ધીંગામસ્તી કરી હતી અને નમતી બપોરે તેમને  બોટિંગ કરવા માટે લઇ જવાયા હતા.

પ્રાથમિક વિગતો મુજબ,બે બોટ પૈકી અંગ્રેજી માધ્યમના બાળકોની એક બોટ પરત ફરી હતી.પરંતુ ગુજરાતી માધ્યમના બાળકોની બોટમાં પાણી ભરાવા માંડતા બોટ નમી પડી હતી.આ સાથે ચીસાચીસ શરૂ થઇ ગઇ હતી.

બોટના ચાલક અને શિક્ષકો કાંઇ સમજે તે પહેલાં તો આખી  બોટ નમી પડી હતી અને બાળકોની ચીસો પાણીમાં સમાઇ ગઇ હતી.બનાવને પગલે આસપાસના કેટલાક ટ્રક ડ્રાઇવર તેમજ યુવકો જાન જોખમમાં મુકી કૂદી પડયા હતા અને કેટલાક બાળકોને બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમો પણ આવી ગઇ હતી અને બાળકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં લઇ જવાયા હતા.મોડી રાત સુધી બાળકોની શોધખોળ કરવામાં આવી રહી હતી.સૂત્રોના કહ્યા મુજબ,૧૨ બાળકો અને ધોરણ-૩ની અંગ્રેજી માધ્યમની શિક્ષિકા છાયાબેન સુરતી અને સુપરવાઇઝર ફાલ્ગુની પટેલના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે,બાકીના બાળકોને ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

દરમિયાનમાં વડોદરા શહેરમાં હરણી તળાવમાં બોટ ઉંધી વળી જતાં સનરાઇઝ સ્કૂલના બાળકો-શિક્ષકોના મોત થયા હતાં. આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા  નિર્ણય કર્યો છે.  આ સમગ્ર ઘટનામાં કેવી રીતે બની ? આ ઘટનામાં બોટ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે કેમ ? ભવિષ્યમાં આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે કેવા પગલાં લેવા જોઇએ ? જીલ્લા મેજીસ્ટ્રેટ આ ઘટનાના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરી  વિગતવાર અહેવાલ ૧૦ દિવસમાં સરકારને સુપરત કરશે. મોડી રાત્રે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા દોડી આવ્યા હતાં અને હોસ્પિટલ જઇને  બાળકોની તબીયતની પૃચ્છા કરી હતી.

યાકુતપુરામાં રહેતા પરવેઝ શેખ પણ જાનવી હોસ્પિટલ દોડી આવ્યા હતા તેઓ મૃતક બાળકોના વાલીઓને મદદ કરી રહ્યા  હતા. પત્રકારો સાથે વાત કરતા પરવેઝે કહ્યું હતું કે મારા ત્રણ બાળકો અરહાન, જીદાન અને અનમ પણ આ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. તેની મેડમે પણ કહ્યું હતું કે પિકનિકમાં મોકલો પરંતુ મે સ્પષ્ટ ના પાડી દીધી હતી એટલે મારા ત્રણ બાળકો આજે જીવીત છે.

જીવનભર આંસુ સુકાય નહી એવી પિડા આપનાર હરણી તળાવ દુર્ઘટનાનો ભોગ રૂત્વી શાહ પણ બની છે. એસએસજી હોસ્પિટલ ખાતે રૂત્વીની માતા પોક મુકીને રડી પડી હતી અને કહેતી હતી કે મેં તો મારી દીકરીને પિકનિક પર જવાની ના જ પાડી હતી પરંતુ છેલ્લી ઘડીએ મારી દીકરીને મોકલી અને દીકરીને કાયમી ગુમાવવાનો વારો આવ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ