અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી DRI અને ATS દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને કરોડોની રોકડ જપ્ત કરી છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર મામલે શેરબજારના વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા અનુસાર, જે રીતે બપોરથી મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે જોતાં કુલ 400 કિલો સોનું હોવાની વાત ચાલી રહી છે. આ સાથે રોકડનો આંકડો 50 કરોડથી વધુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.