વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગુરુવારે કેબિનેટની એક બેઠકમાં એક કરોડ ઘરોને ૩૦૦ યુનિટ મફત વીજળી અને સોલાર પ્લાન્ટ્સના ઈન્સ્ટોલેશન માટે રૂ. ૭૮,૦૦૦ કરોડ સુધીની સબસિડી પૂરી પાડવા માટે રૂ. ૭૫,૦૨૧ કરોડની રૂફટોપ સોલાર યોજનાને મંજૂરી આપી દીધી છે. વધુમાં કેબિનેટે ભારતનું પોતાનું સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું સાકાર કરવા માટે ૩ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં બે પ્રોજેક્ટ ટાટા ગ્રૂપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનની કંપનીનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ગુજરાતના ધોલેરામાં એક સેમીકન્ડક્ટર પ્લાન્ટ બનશે. સેમીકન્ડક્ટરના ત્રણ પ્રોજેક્ટમાં કુલ રૂ. ૧.૨૬ લાખ કરોડનું રોકાણ કરાશે.